કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલી નદીમાં તરતા આવડતુ ન હોવા છતા ન્હાવા પડેલા યુવાનનું ઉંડા પાણીમાં ગરક થઈ જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં શૈલેષભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા નંદાભાઇ કેશિયાભાઈ મેડા નામના શ્રમિક પ્રૌઢનો પુત્ર સુનિલ મેડા (ઉ.વ.19) નામનો યુવક રવિવારે બપોરના સમયે વાડીના સેઢે આવેલ નદીમાં ન્હાવા પડયો હતો. પરંતુ તેને તરતા આવડતું ન હોવાથી પાણીમાં ડૂબી જતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવકને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોેએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતાની જાણ દ્વારા હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.