દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરાણા ગામમાં રહેતા યુવકએ કથિત પોલીસના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાના બનાવમાં પરિવારજનોએ મૃતદેહનો સ્વિકારવાનો ઇન્કાર કરતાં મામલો ઉગ્ર બન્યો છે. યુવકએ મોત પહેલાં વિડિયોમાં આપેલું નિવેદન વાયરલ થયું છે.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરાણા ગામમાં રહેતા કરણસિંહ માલજી જાડેજા (ઉ.વ.21) નામના યુવકએ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવમાં વધુ મળતી વિગત મુજબ કરણસિંહને નશો કરેલી હાલતમાં વાડીનાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અટકાયત કરી, પોલીસ સ્ટેશને લઇ જઇ માર ન મારવાનો ‘વહીવટ’ કરવા છતાં પોલીસ સ્ટાફએ યુવકને બેફામ માર મારી કેસ પણ કર્યો હતો. ત્યારબાદ યુવકએ ઘરે જઇને ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
દરમ્યાન મૃતક યુવક કરણસિંહએ હોસ્પિટલના બીછાને આખરી શ્વાસ પહેલાં વીડીયો બનાવી સમગ્ર ઘટનાની અક્ષર: વિગત આપી છે. જેમાં પોલીસકર્મીઓ દ્વારા કેવો ત્રાસ આપી મારકૂટ કરવામાં આવે છે ઉપરાંત ‘વહીવટ’ પણ કરે છે. ખરેખર આ વિડિયો રાજ્યના પોલીસ વિભાગમાં અતિશય શરમજનક છે. કેમ કે, પોલીસ સામાન્ય ગુનામાં પણ બેરહમીપૂર્વક માર મારી ‘વહીવટ’ કરી લીધા બાદ યુવકએ પોલીસના ત્રાસથી કંટાળીને દવા ગટગટાવ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ત્યારબાદ પરિવારજનો દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળવાનો ઇન્કાર કરી પોલીસકર્મીઓ વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.


