જામનગર શહેરના કૌશલનગર વિસ્તારમાં રાત્રિના સમયે નાસ્તાની રેંકડી લઇને ઘરે જતાં યુવાને રસ્તામાં માલ-સામાન ન હોવાથી નાસ્તો આપવાની ના પાડતાં ત્રણ શખ્સોએ યુવાનને ગાળો કાઢી હવા ભરવાના પંપ વડે હુમલો કર્યો હતો. યુવાનને બચાવવા વચ્ચે પડેલા પિતા સહિતના ત્રણ વ્યક્તિઓ ઉપર પણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલવાડી ચોકડી પાસે આવેલા કૌશલનગરમાં રહેતાં રાજેશભાઇ હેમતભાઇ પરમાર (ઉ.વ. 41) નામનો યુવાન ગત્ તા. 01 નવેમ્બરના રોજ રાત્રિના સમયે સાડા નવ વાગ્યે તેની નાસ્તાની રેંકડી લઇને ઘર તરફ જતો હતો ત્યારે ઘર પાસે પહોંચ્યો તે સમયે ગીરીરાજ ઉર્ફે ગીરી ડોન રઘુભા જાડેજા નામના શખ્સે નાસ્તો માંગ્યો હતો. પરંતુ માલ-સામાન ન હોવાથી નાસ્તો આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ગીરીરાજએ યુવાનને ગાળો કાઢી હતી. ત્યારબાદ કારમાં આવીને રાજેશને ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી તેની જ રેંકડીમાં રહેલા હવા ભરવાના પંપ વડે રાજેશ ઉપર હુમલો કર્યો હતો. યુવાન ઉપર હુમલો થતાં તેના પિતા હેમતભાઇ, દીપકભાઇ તથા નયનાબેન વચ્ચે છોડાવવા પડયા હતાં. પરંતુ ગીરીરાજ અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ મહિલા સહિતના ચાર વ્યક્તિઓને ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી આડેધડ પંપના ઘા ઝિંકી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત રાજેશને નાસ્તાની ના પાડતો નહીં, નહીંતર પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.
હુમલાના બનાવમાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂઘ્ધ હુમલો કરી ધમકી આપ્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


