પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ અંતર્ગત બાળકો સાથે વાતચીત કરી. PM મોદીએ કહ્યું કે આશા છે કે પરીક્ષાની તૈયારી સારી ચાલી રહી હશે. આ પ્રથમ વર્ચ્યુઅલ પ્રોગ્રામ છે. આપણે દોઢ વર્ષથી કોરોના સાથે જીવી રહ્યા છીએ. મને તમને મળવાનો લાભ છોડવો પડી રહ્યો છે. નવા ફોર્મેટમાં તમારી વચ્ચે આવવું પડ્યું છે. તમને નહીં મળી શકવું તે મારા માટે ઘણુ મોટું નુકસાન છે. તેમ છતાં પરીક્ષા તો છે જ. એ સારી વાત રહેશે કે આપણે તે અંગે ચર્ચા કરીએ.
આજે જ્યારે ડરની વાત કરી છીએ તો મને પણ ડર લાગી જાય છે. શું પ્રથમ વખત પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ? માર્ચ-એપ્રિલમાં પરીક્ષા આવે છે. આ બાબતનો અગાઉથી જ જાણકારીમાં હોય છે. તે ઓચિંતા જ આવી જતી નથી. તેનાથી કોઈ આકાશ તૂટી પડતું નથી. આપણી આજુબાજુનો માહોલ એવો બનાવી દેવામાં આવ્યો છે કે પરીક્ષા જ બધુ છે. આ માટે સામાજીક વાતાવરણ, માતા-પિતા, સંબંધીઓ એવો માહોલ બનાવી નાંખે છે કે જાણે મોટા સંકટમાંથી તમારે પસાર થવાનું છે. હું સૌને કહેવા માંગુ છું કે આ સૌથી મોટી ભૂલ છે. આપણે વધારે પડતું વિચારી નાંખી છીએ. માટે હું એવું સમજું છું કે તે જીવનનો અંતિમ મુકામ નથી. જીવનમાં આવા કેટલાક પડાવ આવે છે. આપણે નિરાશ કે દબાણવશ થઈ જવાની જરૂર નથી.
માતા-પિતા બાળકો સાથે વધારે ઈનવોલ્વ રહેતા હતા. આજે મોટાભાગના કેરિયર, અભ્યાસ, સિલેબસમાં ઈન્વોલ્વ છે. હું તેને ઈન્વોલ્વમેન્ટ માનતો નથી. તેનાથી બાળકની ક્ષમતા જાણી શકાતી નથી. તેઓ એટલા વ્યસ્ત છે કે તેમની પાસે બાળકો માટે સમય જ હોતો નથી. આ સંજોગોમાં બાળકોની ક્ષમતા જાણવા માટે તેમણે બાળકોની પરીક્ષા જોવી પડે છે. માટે તેમનું મૂલ્યાંકન પણ પરિણામ સુધી મર્યાદિત રહી ગયું છે. એવું નથી કે પરીક્ષા એ અંતિમ પડાવ છે. તે લાંબા જીવન માટે આપણને મજબૂત કરવાની એક તક છે. સમસ્યા ત્યારે આવે છે કે જ્યારે આપણે તેને જીવનનો અંત માની લઈ છીએ. હકીકતમાં પરીક્ષા જીવનને એક આકાર આપવાની તક છે. તેને એ સ્વરૂપમાં જ લેવી જોઈએ. આપણે આપણી જાતને કસોટી પર ખરા ઉતરવાની તક શોધતા રહેવું જોઈએ. જેથી આપણે વધારે સારું કંઈક કરી શકીએ.
આ બાબતમાં તમે એકલા નથી. વિશ્વમાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેને આ વાત લાગુ નથી નથી. ધારી લો કે તમારી પાસે ખૂબ જ સારા 5-6 શર્ટ છે. આ પૈકી એક-બે એવા છે કે જે વારંવાર પહેરો છો. ઘણી વખત માતા-પિતા પણ આ બાબત અંગે ગુસ્સો કરે છે કે કેટલી વખત તે પહેરીશ. પસંદ-નાપસંદ મનુષ્યનો વ્યવહાર છે. તેમા ડરની કઈ વાત છે. બને છે એવું કે જ્યારે આપણે કેટલાક પરિણામો સારા લાગવા લાગે છે, તેની સાથે સહજ થઈ જઈએ છીએ. જે બાબત સાથે તમે સહજ નથી તેમના તણાવમાં 80 ટકા એનર્જી લાગી જાય છે. પોતાની એનર્જીને તમામ વિષયોમાં સમાન રીતે વહેચવા જોઈએ. બે કલાક છે તો તમામને સમાન સમય આપો.