જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતો યુવાન પોલીસમાં બાતમી આપતો હોવાનો ખાર રાખી મહિલા સહિતના પાંચ શખ્સોએ ત્રણ બાઇક પર આવી લાકડી અને કુહાડી વડે હુમલો કરી ડેલામાં નુકશાન પહોંચાડયું હતું. ઘરના બે કેમેરા તોડી નાખ્યા હતા. રેકોર્ડિંગ ડિલિટ કરવા માટે મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતાં મેહુલભાઇ ખોડુભાઇ પાટડિયા નામનો યુવાન ગામમાં રહેતા રસિલાબેન તથા તેના માણસોની પોલીસમાં બાતમી આપતા હોવાનો ખાર રાખી મંગળવારે રસિલાબેન કાથડભાઇ જાટિયા, રાહુલ પરમાર, પરેશ ગોંડલિયા, રોહિત પાટડિયા અને રોનક મકવાણા નામના પાંચ શખ્સો જુદા જુદા ત્રણ બાઇક પર આવીને ખોડુભાઇ જેસંગભાઇ પાટડિયાના ઘરના ડેલામાં લાકડી તથા કૂહાડી વડે ઘા મારીને રૂા. 10 હજારનું નુકશાન પહોંચાડયું હતું. આ ભાંગફોડના ફૂટેજ સન્ની પાટડિયાના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં આવી ગયા હોય જેથી રસિલાબેન અને રાહુલ પરમારએ સન્નીના ઘરમાં લાગેલા બે સીસીટીવી કેમેરા તોડી નાખી રૂપિયા 10 હજારનું નુકશાન પહોંચાડયું હતું. બન્નેએ સન્નીને આ ભાંગતોડનું રેકોર્ડિંગ ડિલિટ કરી નાખવા અને જો ડિલિટ ન કરે તો મારી નાખવાની ધમકી આપી હતી.
પરેશ ગોંડલિયા, રોહિત પાટડિયા તથા રોનક મકવાણા નામના ત્રણ શખ્સોએ જાહેરમાં ગાળો કાઢી રૂા. 20 હજારનું નુકશાન કર્યું હતું. આ ભાંગતોડના બનાવમાં સન્ની રાજેશ પાટડિયા દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. જી. ઝાલા તથા સ્ટાફએ મહિલા સહિતના પાંચ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


