જામનગર શહેરના મોહનનગર આવાસમાં રહેતાં અને લોન્ડ્રી કામ કરતા યુવાને 10 ટકા જંગી વ્યાજે લીધેલી રકમ ત્રણ મહિનાનું વ્યાજ નહીં આપતા વ્યાજખોરે યુવાને તેની ઓફિસે બોલાવી પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મોહનનગર આવાસ બિલ્ડિંગમાં રહેતાં અને લોન્ડ્રી કામ કરતા રશ્મીન હસમુખભાઈ ગણાત્રા નામના યુવાને પ્રિયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા પાસેથી રૂા.33 હજારની રકમ 10 ટકા જંગી વ્યાજે લીધી હતી અને રશ્મીન દ્વારા છેલ્લાં ત્રણ મહિનાનું વ્યાજ નહીં અપાતા પ્રિયરાજસિંહે તેની ઓફિસે બોલાવ્યો હતો અને રશ્મીનને ઉઠક બેઠક કરાવી પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી કીડની ઉપર ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે રશ્મીનના નિવેદનના આધારે વ્યાજખોર પ્રિયરાજસિંહ વિરૂધ્ધ બળજબરીથી પૈસા કઢાવી લેવા માટે મૃત્યુુ થતા મહાવ્યથાના ભયમાં મૂકવા સબબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.