જામનગર શહેરમાં સદગુરૂ કોલોનીમાં રહેતાં યુવાને વ્યાજે લીધેલી રકમ વ્યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં વધુ રકમ પડાવવા માટે ત્રણ શખ્સોએ ધમકાવ્યાની યુવાનની પત્ની દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સદગુરૂ કોલોની સ્વસ્તીક સોસાયટીમાં રહેતાં જયપ્રકાશસિંહ નામના યુવાને સાંઇનાથ એન્ટરપ્રાઇસના અનિરૂધ્ધસિંહ સજુભા જાડેજા પાસેથી રૂા.4,25,000ની રકમ ઉંચા વ્યાજે લીધી હતી. આ રકમ પેટે અનિરૂધ્ધસિંહ તથા મયુરસિંહ સહિતના ત્રણ શખ્સોએ જયપ્રકાશસિંહ પાસેથી ધાકધમકી અને મૃત્યુનો ભય બતાવી રૂા.7,88,250ની રકમ પડાવી લીધી હતી. તેમજ વધુ રકમ કઢાવવા માટે વ્યાજખોર દ્વારા યુવાન પાસેથી લીધેલા ચેકો રિર્ટન કરાવી વધુ રકમ માટે અપશબ્દો કહ્યા હતાં અને મયુરસિંહ તથા અજાણ્યા શખ્સોએ યુવાનના ઘરે આવી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી વ્યાજની રકમ પરત આપો નહીં તો જીવતા નહીં રહેવા દઇએ અને રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજાવવાની વાત કરી યુવાનની પત્નીને ભયમાં મૂકી ધમકાવ્યા હતાં.
આ બનાવ અંગે યુવાનની પત્ની સુમનકવર નામના મહિલા દ્વારા પોલીસમાં જાણ કરાતા પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે અનિરૂધ્ધસિંહ સજુભા જાડેજા, મયુરસિંહ અને અજાણ્યા શખ્સ સહિતનાઓ વિરૂધ્ધ પૂવ આયોજીત કાવતરૂ રચી ધમકી આપ્યાનો તથા મની લોન્ડરિંગ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.