ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય એક પટેલ યુવાનની ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા લાકડીના ઘા મારી, નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા હરેશભાઈ ગોરધનભાઈ જાવીયા નામના 40 વર્ષીય પટેલ યુવાન ગત રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે પોતાના મકાનમાં સુતા હતા ત્યારે, આ સ્થળે મોઢે બુકાની બાંધીને ચાર અજાણ્યા શખ્સો લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ વાડીમાં જ રહેતા અને તલના ઢગલા પર સૂઈ રહેલા હરેશભાઈના ભાગીયા એવા પરપ્રાંતીય યુવાન રાધુભાઈ શંભુભાઈના ગળા પર એક શખ્શે લાકડી દબાવી, તેને તથા તેના સંબંધીઓને મારી નાખવાની ધમકી આપી, નજીકમાં સૂતેલા હરેશભાઈ જાવિયા પાસે પહોંચી ગયા હતા અને હરેશભાઈ કાંઈ પણ પ્રતિકાર કરે તે પૂર્વે અન્ય ત્રણ શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા. આરોપી શખ્સો દ્વારા હરેશભાઈને માથાના ભાગે તથા હાથ અને પગ સહિતના શરીરના જુદા-જુદા ભાગો ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં તેઓ આ સ્થળે ફસડાઈ પડયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ કરપીણ હત્યા નિપજાવનાર ચારેય આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.
આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા ભાણવડના પી.એસ.આઈ. એન.એચ. જોશી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેશભાઈ ગોરધનભાઈ જાવીયા (ઉ.વ. 46) ની ફરિયાદ પરથી પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 302, 120(બી), 506(2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનને બે પુત્રીઓ છે. સંભવિત રીતે અગાઉ કોઈ શખ્સો સાથે થયેલા મનદુઃખના કારણે આ બનાવ બન્યાનું કહેવાય છે. આના અનુસંધાને તપાસનીશ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા કેટલાક શંકાસ્પદ શખ્સોની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ હત્યાના આરોપીઓ નજીકના ભવિષ્યમાં ઝડપાઈ જાય તેવી પૂરી સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ બનાવે મૃતકના પરિવારમાં ઘેરા શોક સાથે નાના એવા નવાગામમાં અરેરાટી પ્રસરાવી છે.
ભાણવડના નવાગામ ખાતે યુવાનની કરપીણ હત્યા
પથ્થર અને પાઇપના ઘા ઝીંકી ઢીમઢાળી દિધુ : ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ : ગણતરીના કલાકોમાં ચાર હત્યારાઓની અટકાયત