કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતાં ખેડૂત યુવાન તેના ખેતરમાં સોલાર ફીટ કરતા સમયે લાઈટના તારમાં અડી જતાં વીજશોક લાગતા બાથરૂમ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જશાપર ગામના સીમ વિસ્તારમાં રહેતાં મહેન્દ્રભાઈ ભીમજીભાઈ કાછડિયા (ઉ.વ.39) નામના પટેલ યુવાન શુક્રવારે સવારના સમયે તેના ખેતરે બાથરૂમ ઉપર સોલારની પ્લેટ ફીટ કરતાં હતાં તે દરમિયાન વાડીની લાઈટના તારમાં અડી જતાં યુવાનને વીજશોક લાગતા બાથરૂમ ઉપરથી નીચે પટકાયો હતો. તેમાં તેને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શુક્રવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ભીમજીભાઈ કાછડિયા દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.ડી. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.