Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારરીંજપરમાં ટી.સી. ઉપર વાયર બદલતા સમયે વીજશોકથી યુવાનનું મોત

રીંજપરમાં ટી.સી. ઉપર વાયર બદલતા સમયે વીજશોકથી યુવાનનું મોત

- Advertisement -

લાલપુર તાલુકાના રીંજપર ગામની સીમમાં આવેલા ખેતરમાં સેફટી સાધનો વગર ટી.સી. પર સર્વીસવાયર બદલવા જતાં સમયે વીજશોક લાગતા યુવાન નું ટી.સી. પરથી પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતાં વૃદ્ધ તેના ઘરના બાથરૂમમાં જતા હતાં તે સમય ઉપરના ભાગની પાપડી માથા ઉપર પડતા માથામાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતો યોગેશ વેલજીભાઈ સોનગરા (ઉ.વ.25) નામનો ઈલેકટ્રીક કામ કરતો યુવાન ગત ડિસેમ્બર માસમાં સાંજના સમયે રીંજપર ગામમાં આવેલી કારાભાઈ પાલાભાઈના ખેતરે મજુરી કામ કરવા ગયો હતો. તે દરમિયાન સેફટીના સાધનો વગર ટી.સી. ઉપર સર્વિસ વાયર બદલવા જતો હતો ત્યારે અચાનક વીજશોક લાગતા ટી.સી. પરથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મંગળવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જીવરાજભાઈ સોનગરા દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. મકાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતાં હુશેનાબેન કરીમભાઇ હીમરાણી (ઉ.વ.70) નામના વૃધ્ધા માનસિક બીમારીથી પીડાતા હતાં અને તેની સારવાર પણ ચાલુ હતી. દરમિયાન સોમવારે સવારના સમયે તેના ઘરે બાથરૂમમાં જતાં હતાં તે દરમિયાન પાપડી પડતા માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ કરીમભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.પી. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular