જામનગર નજીક અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટીંગ યાર્ડ જવાના માર્ગ પરથી પસાર થતાં બાઇકસવારએ કાબૂ ગૂમાવતા સ્લીપ થવાથી ગંભીર ઇજા પહોંચતા જામનગરના યુવાનનું મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે શ્યામગ્રીન સોસાયટી, શેરી નંબર ત્રણમાં રહેતા હિતેષભાઇ નવિનભાઇ કછેટિયા (ઉ.વ.28) નામનો યુવાન બુધવારે મદ્યરાત્રિના સમયે અન્નપૂર્ણા ચોકડીથી હાપા માકેટીંગ યાર્ડના માર્ગ પરથી તેના શેઠના એક્સેસ બાઇક પર ગોડાઉનએ જતો હતો. ત્યારે નયારા પેટ્રોલ પંપ નજીક પહોંચતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા બાઇક સ્લીપ થતાં અકસ્માતમાં રોડ પર પટકાયેલા હિતેષને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ પ્રીતેશ દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


