જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં યુવાનની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને તેની પત્ની એક મહિનાથી રીસામણે જતી રહેતા મનમાં લાગીઅ આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતાં કોન્ટ્રાકટર પ્રૌઢ બેશુધ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. જામનગરના રંગમતિ પાર્ક પાસેના વિસ્તારમાં રહેતા વૃદ્ધનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના ગોકુલનગર મોમાઈપાન વાળી શેરીમાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતાં જયેન્દ્રસિંહ ધીરુભા પરમાર (ઉ.વ.31) નામના યુવાનની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને તેની પત્ની એક મહિનાથી રીસામણે જતી રહી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા શુક્રવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં ઓછાળ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગે ઘનશ્યામસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતાં જીતેન્દ્રભાઈ કાનજીભાઈ ડાભી (ઉ.વ.52) નામના કોન્ટ્રાકટર પ્રૌઢ શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રાકેશભાઈ દ્વારા જાણ કરાતા એએઅસાઈ એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં સુભાષબ્રીજ રોડ પર આવેલા રંગમતિ પાર્ક શેરી નં.2 માં રહેતા મોહનભાઈ ભગવાનજીભાઇ ચુડાસમા (ઉ.વ.87) નામના વૃધ્ધને કમ્પવા તથા બ્લડપ્રેશરની બીમારીની સારવાર ચાલુ હતી આ બીમારી સબબ શુક્રવારે સવારના સમયે તેના ઘરે અચાનક બેશુધ્ધ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. આ અંગે મૃતકના પુત્ર યોગેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.