જામનગર તાલુકાના અલિયા ગામમાં આવેલા હબીબનગર વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં ખોજા ગેઈટ લાલખાણ વિસ્તારમાં રહેતાં આધેડે ઉધરસની દવાને બદલી ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રહેતા વૃદ્ધ વેપારીને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં દેવાભાઈ વેજાભાઈ બાંભવા (ઉ.વ.38) નામના ભરવાડ યુવાને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે લાકડાની આડીમાં દોરડા વડે કોઇ
અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પુજાભાઇ બાંભવા દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ખોજાગેઈટ લાલખાણ વિસ્તારમાં રહેતાં કાસમભાઈ ઈબ્રાહિમભાઈ સમા (ઉ.વ.50) નામના આધેડે ગત મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઉધરસની દવાના બદલે ઝેરી દવા પી જતા તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પુત્ર ઈરફાન દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાંતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલા સતીવાડી વિસ્તારમાં રહેતાં વેપારી ભીખુભા નથુજી જાડેજા (ઉ.વ.68) નામના વૃધ્ધને બુધવારે રાત્રિના સમયે એકાએક શ્ર્વાસની તકલીફ થવાથી છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગુરૂવારે રાત્રિના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુખદેવસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો જે.ડી. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.