જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતો યુવાન તાવમાં પટકાતા ગુમસુમ રહેતો હતો અને તેણે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 59 વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતાં નંદલાલભાઈ ગોવિંદભાઈ શેઠીયા (ઉ.વ.45) નામના યુવાનને થોડા દિવસથી તાવ અને ઉધરસ થયા હતાં. તાવમાં પટકાયેલો યુવાન ગુમસુમ રહેતો હતો અને દરમિયાન શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્રી હિનાબેન દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.