જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા યુવકે તેના ઘરે અગમ્યકારણોસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર જિલ્લાના જોગવડ ગામના વાડી વિસ્તારમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતાં શીતલભાઈ પ્રાગજીભાઈ ઢાકેચા (ઉ.વ.21) નામના યુવકે ગત તા.5 ના રોજ રાત્રિના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મંગળવારે સાંજના સમયે સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની હીનાબેન દ્વારા જાણ કરાતા હે.કો. વી.પી. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર જિલ્લાના જોગવડ ગામના વાડી વિસ્તારમાં રહેતા કલમસીંગ ઈન્દરસીંગ બામણિયા (ઉ.વ.22) નામનો યુવાન મંગળવારે સવારના સમયે વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતાં સમયે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો આઈ.ડી. જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુર તાલુકાના મોટી ગોપમાં યુવકનો એસિડ પી આપઘાત
જોગવડમાં વાડીએ મોટર ચાલુ કરવા જતાં યુવાનનું વીજશોકથી મૃત્યુ