ખંભાળિયા તાલુકાના જૂના તથિયા ગામમાં રહેતાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનને ભેંસના ધંધામાં રોકાણ વધી ગયું હતું પરંતુ આવક ઓછી થવાથી દેણું વધી જતાં આર્થિક સંકળામણથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુના તથીયા ગામે રહેતા હેભાભાઈ હમીરભાઈ કરમુર નામના 27 વર્ષના આહિર યુવાને શનિવારે પોતાના રહેણાંક મકાનમાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક હેભાભાઈ ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમાં ભેંસોના ધંધામાં રોકાણ વધી ગયું હતું. પરંતુ તેમને કમાણી ઓછી થતી હોય, જેના કારણે તેમના પર આર્થિક બોજો પણ વધી ગયો હતો. આ પરિસ્થિતિમાં આર્થિક સંકળામણમાં આવી ગયેલા હેભાભાઈને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભરી લેતાં આ અંગેની જાણ મૃતકના મોટાભાઈ પરબતભાઈ હમીરભાઈ કરમુર દ્વારા કરવામાં આવતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ, મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


