જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરી એક વખત લખણ ઝળકાવ્યા છે. શરૂ સેકશન રોડ પર ઉછીના પૈસા નહીં આપનાર બે શખ્સો પર દિવલા ડોને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
જામનગરમાં રાંદલનગર બાપા સીતારામની મઢુલી પાસે રહેતાં કુલદીપસિંહ ગીરુભા જાડેજા તેમજ તેમનો એક મિત્ર શરૂ સેકશન રોડ પર ગુરૂકૃપા હાઈટસ પાસેથી પસાર થતો હતો ત્યારે જામનગરના કુખ્યાત એવા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલા ડોને આ બન્નેને બાઈક અટકાવી તેમની પાસે ઉછીના પૈસાની માગણી કરી હતી. પરંતુ, કુલદીપસિંહે પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા દિવલા ડોને કુલદીપસિંહને બેફામ ગાળો આપી પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરતા ડાબા કાનના ભાગે ઈજા પહોંચી હતી. આ ઉપરાંત કુલદીપસિંહ સાથે રહેલા તેના મિત્રોને પણ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે કુલદીપસિંહે જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સબ ઈન્સ્પેકટર કે.કે. નારિયાએ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવલો ડોન જામનગર શહેરમાં મારામારી, હુમલા, ઉઘરાણી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. પોલીસ દ્વારા તેને તડી પાર પણ કરવામાં આવ્યો છે. છતા પણ અવાર-નવાર આ શખ્સ જામનગર શહેરમાં પોતાના લખણ ઝળકાવી રહ્યો છે.