જામનગરમાં બેડી ઈદ મસ્જિદ રોડ પર યુવતી સાથેના પ્રેમસંબંધનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ ધોકા અને છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં બેડી ઇદ મસ્જિદ પાસેના વિસ્તારમાં રહેતા રમઝાન અબ્દુલ ઘુમરા નામના યુવાનના ભત્રીજાને હુસેન વલીમામદ જેડાની ભત્રીજી સાથે પ્રેમસંબંધ હતો. જે બાબતનો ખાર રાખી બુધવારે સવારના સમયે હુસેન વલીમામદ જેડા, અબ્બાસ વલીમામદ જેડા, મોઇન જેડા તથા રમઝાન ભૂરા ચૌહાણ નામના ચાર શખ્સએ એકસંપ કરી રમઝાનના ભત્રીજાને આંતરીને ગાળાગાળી કરી હતી તેમજ છરી વડે નઝીર ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ અન્ય શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારતાં સલીમ અને ઓસમાણ વચ્ચે પડતાં તેની સાથે પણ હુમલાખોરોએ ગાળાગાળી કરી હતી. હુમલામાં ઘવાયેલા યુવક સહિતનાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ ચાર શખ્સ વિરૂઘ્ધ રમઝાનના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


