જામનગર શહેરમાં ખોજા ગેઇટ પાસેના વિસ્તારમાં રહેતા યુવાન ઉપર સગાઇ તોડી નાખવાની બાબતે બે શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી, લોખંડના પાઇપ વડે પિતા-પુત્ર અને પરિવાર પર હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોજા ગેઇટ પાસેના વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કરતા એઝાઝભાઇ કાદરભાઇ બ્લોચ નામના યુવાને કામીલ જાનમામદ બ્લોચના ફૈબાની દીકરી સાથે સગાઇ કરી હતી અને ત્યારબાદ સગાઇ તોડી નાખી હતી. જે બાબતના મનદુ:ખનો ખાર રાખી કામીલ બ્લોચ અને ઇમ્તિયાઝ કુરેશી નામના બે શખ્સોએ શનિવારે રાત્રિના સમયે એઝાઝના ઘરમાં ઘૂસી, લોખંડના પાઇપ વડે એઝાઝ ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પુત્ર ઉપર હુમલો થતાં બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ લોખંડના પાઇપ વડે લમધારી ગાળો કાઢી હતી. પતિ અને પુત્ર ઉપર હુમલો થતાં યુવાનની માતા અને બહેન પણ વચ્ચે પડતાં આ બન્નેને લાતો મારી મુઢ ઇજાઓ પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. ઘરમાં ઘૂસી યુવાનના પિતા, માતા અને બહેન સહિતના ચાર વ્યકિતઓ ઉપર હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં એઝાઝના નિવેદનના આધારે હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


