જામનગર શહેરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતાં દંપતિ ઉપર પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી યુવતીના પિતા સહિતના ચાર શખ્સોએ છરી, ટોમી, પાઇપ, ધોકા અને પથ્થર વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચાડી, યુવતીને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બેડેશ્વરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતાં ફરીદભાઇ મામઇભાઇ બુચડ (ઉ.વ.32) નામના યુવાને દોઢ વર્ષ પહેલાં અકરમ કકલની પુત્રી મરઝીનાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નનો ખાર રાખી રવિવારે સવારના સમયે અકરમ ઉર્ફે જહાંગીર અબ્દુલ શરીફ કકલ, અબ્દુલ શરીફ કકલ, ફારૂક ચાવડા, ઝાકીર અબ્દુલ ચૌહાણ નામના ચાર શખ્સોએ એકસંપ કરી ફરીદ ઉપર ટોમી વડે અને છરી વડે હુમલો કરી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ થોડાં સમય પછી ફરીદના ઘર પાસે ચારેય શખ્સોએ આવીને ધોકા અને પાઇપ વડે દરવાજા ઉપર ઘા કર્યા હતા. તેમજ મરઝીનાબેનના પેટમાં પથ્થરનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત ફરીદની બહેન નસીમાબેનને પથ્થરનો ઘા મારી ઇજા પહોંચાડી ગાળાગાળી કરી હતી. તેમજ મરઝીનાબેનને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલા અને ધમકીના બનાવમાં ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆ ડી. જી. રાજ તથા સ્ટાફે ફરીદભાઇના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


