અફઘાનીસ્તાનમાં તાલીબાનીઓના ડરથી લોકો દેશ છોડીને જવા મજબુર થયા છે. કાબુલ એરપોર્ટ પર છેલ્લા ઘણા દિવસોથી લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી છે. એરપોર્ટ પર ચારે બાજુ લોકોના ચહેરા પર હતાશા અને ચિતા છવાયેલી છે. લોકોને પીવા માટે પાણી પણ મળી રહ્યું નથી.
કાબુલ એરપોર્ટ બહાર પાણીની એક બોટલ આશરે 3,000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ પુલાવની કિંમત રૂ.7500 છે. ખાવા-પીવાની વસ્તુઓની આટલી ઉંચી કિંમતના કારણે લોકો ભૂખ્યા-તરસ્યા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અને બેભાન થઈને પડી રહ્યા છે. સાથે જ તાલિબાન તેમની મદદ કરવાના બદલે તેમના સાથે મારપીટ કરી રહ્યું છે.
એરપોર્ટ પર ફુડ કે પાણી કંઈ પણ ખરીદવું હોય તો અહીં અફઘાનિસ્તાનની કરન્સી સ્વીકારવામાં નથી આવતી. ફક્ત ડોલરમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં પોતાના ઘરેથી કાબુલ એરપોર્ટ પર પહોચવા માટે પણ લોકોને 5-6 દિવસ લાગી રહ્યા છે. કારણકે તમામ જગ્યાઓ પર તાલીબાનીઓ તૈનાત છે. તેવામાં હવે લોકો ખાધા-પીધા વગર બેભાન થઇ રહ્યા છે અને એરપોર્ટ બહાર અફરાતફરીમાં 20થી વધુ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.