ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આજે સિનિયર કલાર્ક વર્ગ 3 ની જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં કુલ 31 સ્થળોએ લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં કોરોનાની સરકારી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને હેન્ડસેનીટાઈઝર કરાવી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી વચ્ચે ઘણાં સમય બાદ ભરતી પ્રક્રિયાઓની પરીક્ષા યોજાતી હોય ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની સત્યસાઈ વિદ્યાલય, સેન્ટ ઝેવિયસ સ્કૂલ, હરીયા સ્કૂલ, સનસાઈન સ્કૂલ, શારદા મંદિર હાઈસ્કૂલ સહિતના 31 કેન્દ્રો પર ભરતી અંગેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકો દ્વારા કોરોનાની સરકારી ગાઈડલાઈનનું પાલન કરાયું હતું. જ્યારે તંત્ર દ્વારા પણ પરીક્ષા દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ અને શાંતિથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે સૂચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી હતી. આ ઉપરાંત આવતીકાલે તા.1 ના રોજ નાયબ મામલતદારની પણ લેખિત પરીક્ષાનું જામનગરમાં આયોજન કરાયું છે.