Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં કાલે વિશ્વવિક્રમી આહિરાણી મહારાસ

દ્વારકામાં કાલે વિશ્વવિક્રમી આહિરાણી મહારાસ

- Advertisement -

કૃષ્ણનગર દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. આવતીકાલે વહેલી સવારે આશરે 37,000 જેટલા આહીર મહિલાઓ એક સાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જશે ત્યારે આજથી સમગ્ર દ્વારકા વિસ્તાર અને સાજ-શણગારથી દીપી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આહીરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કેનેડા સહિતના વિદેશના આહીરાણીઓ પણ આ રાસોત્સવમાં સહભાગી બનશે. દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં આજરોજ સાંજે સન્માન સમારોહ, પૂજન-અર્ચન, સમૂહ પ્રસાદ તથા રાત્રે માયાભાઈ આહીર સહિતના કલાકારોના ભવ્ય લોક ડાયરા ઉપરાંત આહિર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. આવતીકાલે રવિવારે સવારે ચઢતા પહોરે આશરે પાંચેક વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં એક સાથે નોંધાયેલા 37,000 થી વધુ મહિલાઓ કૃષ્ણરાસ રજૂ કરશે. જેને લઈને સમગ્ર દ્વારકા વિસ્તાર તેમજ ખાસ કરીને જગત મંદિરને સુંદર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. હાલ દ્વારકા નગરી ખરા અર્થમાં સુવર્ણનગરી બની રહી હોય તેવા શણગારથી દીપી ઉઠી છે. આ ભવ્ય આયોજનને વિશ્ર્વ વિક્રમથી નવાજવામાં આવનાર છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે આહિર સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો, કાર્યકરો દ્વારા ખભે-ખભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જે માટે સ્થાનિક તંત્ર દ્વારા પણ સહયોગ સાંપળ્યો છે. આ મહારાસ નિહાળવા માટે આવતા લોકો માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને સમગ્ર દ્વારકા નગરી હાલ ભાવિકો, યાત્રાળુઓ તેમજ પર્યટકોથી હાઉસફુલ બની ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular