આઇસીસી દ્વારા આજે વન-ડે વિશ્ર્વ કપ 2023નો સતાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મુંબઇમાં આઇસીસીએ કરેલી સતાવાર જાહેરાત મુજબ 46 દિવસ ચાલનારા આ ક્રિકેટ મહાકુંભની શરૂઆત પાંચ ઓકટોબરે અમદાવાદમાં ઇગ્લેન્ડ-ન્યુઝીલેન્ડના મેચ સાથે થશે. જયારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં જ રમાશે. પરંપરાગત હરીફો ભારત અને પાકિસ્તાન 15મી ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન અગાઉ અમદાવાદમાં મેચ રમવા માટે ઇન્કાર કરી ચૂકયું છે. પહેલી વખત જ ભારત સંપૂર્ણ વર્લ્ડકપની એકલા હાથે મેજવાની કરી રહ્યું છે. 1987, 1996 અને 2011માં ભારતે સંયુકત રીતે વર્લ્ડકપનું આયોજન કર્યુ હતું. ભારતીય ટીમ પોતાનો પહેલો મેચ 8 ઓકટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઇમાં રમશે.