જામનગર શહેરના જોગસપાર્ક વિસ્તારમાં આવેલી દુકાનમાં મંડપ સર્વિસનું કામ કરતા સમયે ઇલેકટ્રીક વાયરને મંડપ અડી જતાં વીજશોક લાગતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના મોર ઉંડારા ગામનો વતની અને જામનગર શહેરમાં ખંભાળિયા નાકા દ્વારકાપુરી રોડ પરના વિસ્તારમાં રહેતો મજૂરીકામ કરતો જશવંત રંગીતભાઇ બારીયા (ઉ.વ.27) નામનો યુવાન શનિવારે રાત્રિના સમયે પોશ વિસ્તાર એવા જોગસપાર્કમાં પોટ-પોટ નામની દુકાનમાં મંડપ લગાડવાનું કામ કરતો હતો. તે દરમિયાન ઉપરથી ઇલેટ્રીકનો વાયર પસાર થતો હોય. અકસ્માતે વાયર મંડપ સાથે અથડાતા વીજશોક લાગતા યુવાન જમીન પર પટકાયો હતો. ત્યારબાદ યુવાનને બેશુધ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કિરીટભાઈ પટેલ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.