મોંઘવારીના વિરોધમાં જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાંધણગેસ, તેલ તેમજ અન્ય ખાદ્ય પદાર્થો જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની કમ્મરતૂટી ગઇ છે.
જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં મહિલા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલમાં ગેસને બદલે પરંપરાગત ચુલાઓ પર તેલને બદલે પાણીમાં શાકનો વઘાર કરી મોંઘવારી સામે બે ફિક્ર અને નિંદ્રાધિન સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોંઘવારી પ્રત્યે સામાન્ય જન માનસનો આક્રોશ પ્રદર્શિત કરવા માટે મહિલા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોર્પોરેટર રચના નંદાણીયાએ ચુલા ઉપર રસોઇ બનાવી હતી. જયારે કોર્પોરેટર જેનબ ખફીએ મોંઘવારી માટે જવાબદાર ભાજપ સરકારના મુખિયા નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડીને વિરોધ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ વોર્ડના મહિલા પ્રમુખો અનુબેન જાદવ, પદમાબેન, રોશનબેન નાઈ, દક્ષાબેન, દિનુબા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોંગ્રેસની મહિલાઓને પોસ્ટર ફાડતાં અટકાવવામાં આવી હતી. જયારે મહિલા પ્રમુખ રંજનબેન સાથે મહિલા પોલીસની રકઝક પણ થવા પામી હતી.