Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકલ્યાણપુરના ચંદ્રવાડા ગામે મહિલાની નિર્મમ હત્યા

કલ્યાણપુરના ચંદ્રવાડા ગામે મહિલાની નિર્મમ હત્યા

પરિવારજનો દ્વારા હત્યા કરાયાની આશંકા : મૃતકના પુત્રીએ નોંધાવી પોલીસ ફરિયાદ

- Advertisement -
કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામે રહેતા એક મહિલાનું મૃત્યુ નીપજયા બાદ તેણીની ઝડપભેર કરવામાં આવેલી અંતિમ વિધિ તથા તેણીના શરીર પર રહેલા ઈજાના નિશાન સંદર્ભે આ મહિલાનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ હત્યા નીપજાવીને મૃત્યુ થયાની ફરિયાદ મૃતકના પુત્રીએ નોંધાવી છે. જેમાં શકદાર તરીકે તેણીના મોટા બાપુ, કાકા તથા ત્રણ મામાના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર બનાવીને સિલસિલાબંધ વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામે રહેતા સુમરીબેન સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયા નામના મહિલા ગત તારીખ 20 મીના રોજ સવારના સમયે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ મૃતકના સંબંધી એવા અને સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયાના પુત્રી કે જેમના લગ્ન પોરબંદર તાલુકાના ખાપટ ગામે થયા હતા, તે ભૂમિબેન પરબતભાઈ ઉર્ફે પાર્થ મુરુભાઈ ગોરાણીયા (ઉ.વ. 19) ને તેણીના મોટા બા સંતોકબેને ફોન મારફતે કરી તાકીદે ખાપટ ગામેથી ચંદ્રવાડા ગામે બોલાવ્યા હતા.
ચંદ્રાવાડા પહોંચેલા ભૂમિબેન તથા તેમની સાથે આવેલા તેમના પતિ પરબતભાઈ ઉર્ફે પાર્થને તેમના પરિવારજનો દ્વારા સુમરીબેન સામતભાઈ મોઢવાડિયાનું અવસાન હૃદય રોગના હુમલાના કારણે થયાનું જણાવી, મૃતકના અંતિમ સંસ્કાર ચંદ્રવાડા ગામના સ્મશાને કરવાના બદલે ઝડપભેર પોરબંદર ખાતે કરી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન ભૂમિબેનને મૃતકનો આખું શરીર જોવા દેવામાં આવ્યું ન હતું. આટલું જ નહીં, તેણીના શરીરના ભાગોમાં ઈજાના નિશાન તથા માથાના ભાગે લોહી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આ સ્થળે મૃતકના પથારી કે ગાદલુ-ગોદડા વિગેરે પણ જોવા મળ્યા ન હતા. જેથી આ ચીજ-વસ્તુઓ સગે-વગે કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે જોયું હતું. બાદમાં ભૂમિબેનને મૃતક સુમરીબેનના મોઢામાં ગંગાજળ આપી, તાકીદે પોરબંદર ખાતે સુમરીબેનનો મૃતદેહ અગ્નિદા માટે મોકલાવી આપવામાં આવ્યો હતો.
આમ, હાર્ટ એટેકની આશંકા દર્શાવી ભૂમિબેનના માતા સુમરીબેનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અંગેની શંકા ભૂમિબેન ગોરાણીયા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં દર્શાવવામાં આવી હતી. જે સંદર્ભે કલ્યાણપુર પોલીસ મથકના સુમરીબેનનું કુદરતી મૃત્યુ નહીં પણ તેણીની હત્યા કરવામાં આવી હોવા અંગેની ધોરણસર ફરિયાદ ભૂમીબેન પરબતભાઈ ઉર્ફે પાર્થ ગોરાણીયા દ્વારા નોંધાવવામાં આવી છે. હત્યાના આ બનાવમાં શકદાર તરીકે ભૂમિબેનના મોટા બાપુ એવા ચંદ્રવાડા ગામના રહીશ કાનાભાઈ નાગાભાઈ મોઢવાડિયા, કાકા બાલુભાઈ નાગાભાઈ મોઢવાડિયા તથા ગોરાણા ગામે રહેતા તેણીના મામા અરજણભાઈ જીવણભાઈ ગોરાણીયા, અરશીભાઈ જીવણભાઈ ગોરાણીયા તથા રામદેભાઈ જીવણભાઈ ગોરાણીયા નામના કુલ પાંચ પરિવારજનોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ વચ્ચે ભૂમિબેનના જણાવાયા મુજબ તેણીના મામાએ અગાઉ પણ ખૂનનો ગુનો આચર્યો હતો.
આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે કાનાભાઈ નાગાભાઈ, બાલુભાઈ નાગાભાઈ, અરજણભાઈ જીવણભાઈ, અરશીભાઈ જીવણભાઈ તથા રામદેભાઈ જીવણભાઈને હત્યાના બનાવમાં શકદાર ગણી, આઈ.પી.સી. કલમ 302 તથા 201 મુજબ ગુનો નોંધી આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular