જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતી યુવતીનું પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં રહેતી મહિલાને આંચકી ઉપડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા મનસુખભાઇ નકુમ નામના યુવાનની પુત્રી વૈશાલી નકુમ (ઉ.વ.22) નામની યુવતી ગુરુવારે સવારના સમયે તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા માટે પ્લગ સ્વીચ બોર્ડમાં ભરાવવા જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઇ ગઈ હતી. બેશુદ્ધ હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં આવેલી દામજીભાઈની વાડીમાં ખેતમજૂરી કરતા સંજય ડામોરની પત્ની આનંદીબેન (ઉ.વ.27) નામની મહિલાને બુધવારે સવારના સમયે તેના ઘરે તાણ અને આંચકી ઉપડતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો આર.કે. ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના ચેલા ગામમાં વીજશોકથી યુવતીનું મોત
પાણીની મોટર ચાલુ કરવા જતા સમયે અકસ્માત: મોટી વાવડીમાં આંચકી ઉપડતા મહિલાનું મોત