જામનગર તાલુકાના સરમત ગામમાં રામાપીર મંદિર સામેના વિસ્તારમાં રહેતી મહિલાએ કોઇ કારણસર શરીરે કેરોસીન અગ્નિસ્નાન કરતા સાડા ત્રણ વર્ષનો બાળક માતાને ચોંટી જતાં બન્ને ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજયું હતું. જયારે બાળક સારવાર હેઠળ દાખલ છે.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ઘરકામ કરતા નીતાબેન મુકેશભાઈ ભાંભી (ઉ.વ.33) નામના મહિલાએ ગુરૂવારે વહેલીસવારના સમયે તેના ઘરે શરીરે ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યુ હતું. નીતાબેને અગ્નિસ્નાન કરતા સમયે રાડારાડી-બુમાબમ કરતા ઘરમાં નિંદ્રાધિન રહેલો પુત્ર લખન (ઉ.વ.3.5) વર્ષનો બાળક જાગી જતાં ભયભીત થયેલો બાળક સળગી રહેલી માતાને ચોંટી ગયો હતો. જેને કારણે નીતાબેન અને તેનો પુત્ર લખન બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. દાઝી ગયેલા માતા-પુત્રને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલ માતા નીતાબેનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું અને સારવાર હેઠળ રહેલો સાડા ત્રણ વર્ષનો પુત્ર લખન બચી ગયો હતો. આ અંગેની જાણ થતા હેકો સી.ટી. પરમાર તથા સ્ટાફ જી. જી. હોસ્પિટલે દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.