જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા કૂવામાં પાણી ભરતા સમયે મહિલાનું નમી જવાથી કૂવામાં પડી જતાં મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના પરડવા ગામના ખાણ વિસ્તારમાં મજૂરી કામ કરતા યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના પડાણા ગામની સીમમાં વેરહાઉસ પાસે પ્રૌઢ ટ્રકચાલકનું છાતીમાં દુ:ખાવો થવાથી મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના ધુતારપર (જયપુર) ગામમાં રહેતાં કનુબેન સામજીભાઈ મુધવા (ઉ.વ.34) નામના ભરવાડ મહિલા મંગળવારે સવારના સમયે તેના ઘર પાસે આવેલા ગામના કૂવામાંથી પાણી ભરતા હતાં ત્યારે અકસ્માતે કૂવાના કાંઠે નમી જવાથી પાણીમાં પટકાતા ડૂબી ગયા હતાં. આ અંગેની લખમણભાઈ મુધવા દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ સ્થાનિક તરવૈયાની મદદથી કૂવામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના પરડવા ગામના ખાણ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સરમણભાઈ નાજાભાઈ ભોળા (ઉ.વ.44) નામના યુવાનને રવિવારે બપોરના સમયે તેના ઘરે અચાનક હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હરસુખભાઈ સોલંકી દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, લાલપુર તાલુકાના પડાણા ગામની સીમમાં વેરહાઉસ પાસે પાર્ક કરેલા આરજે-36-જીએ-5708 નંબરના ટ્રકમાં માલ સામાન ઉપર તાલપત્રી ઢાકતા સમયે ટ્રકડ્રાઈવર શ્યામસુંદર લાલારામ ગુપ્તા (ઉ.વ.53) (રહે. તરહારપુર, તા.સતાપુર જી. અમેઠી, ઉત્તરપ્રદેશ) નામના પ્રૌઢને એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મહેશકુમાર દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.