જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જશવંત સોસાયટીમાં એસિડની બોટલનું ઢાંકણુ ખોલવા જતાં એસિડ પી જતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કારખાનામાં અગાસી ઉપર સુવા જતાં સમયે યુવાનને માથે છજા ઉપરનું પોપડુ પડતા ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જશવંત સોસાયટીમાં રહેતા અને મજુરીકામ કરતા જયશ્રીબેન હિતેશ રાઠોડ (ઉ.વ.32) નામની મહિલા 20 દિવસ પૂર્વે તેના ઘરે એસિડની બોટલનું ઢાંકણુ મોઢેથી ખોલવા જતા એસિડ પી જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ હિતેશ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.બી. ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 2 માં આવેલા મરકયુરી ઓટો ઈન્ડસ્ટ્રી નામના કારખાનામાં રહેતો સુરેશ ધીરજલાલ રાંદલપરા (ઉ.વ.44) નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે કારખાનાની અગાસીમાં સુવા જતો હતો તે દરમિયાન બારીના છજા ઉપરનું પોપડુ પડીને માથાના પાછળના ભાગે વાગતા ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મંગળવારે મધ્યરાત્રિના સમયે મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકની પત્ની કીરણબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ઢાંકણુ ખોલવા જતાં એસિડ પી જવાથી મહિલાનું મોત
દરેડમાં છજાનું પોપડુ પડતા યુવાનને ઈજા : સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત