કાલાવડ ગામમાં ભગવતી પરા વિસ્તારમાં રહેતાં મહિલાને સાસુ-સસરા સાથે સંયુકત પરિવારમાં ન રહેવું હોય જેથી કંટાળીને જામનગરમાં નવાનાગના નજીક પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. જામનગર શહેરમાં બારદાનવાલા કોમ્પલેક્ષમાં રહેતાં યુવાનને શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડમાં ભગવતી પરામાં રહેતાં ઉષાબેન જયદીપભાઈ સોનારા (ઉ.વ.25) નામના જિદ્દી સ્વભાવના મહિલાને તેણીના સાસુ-સસરા સાથે સંયુકત પરિવારમાં રહેવું ન હોય અને પતિ સાથે જુદુ રહેવું હોય જેથી જિંદગીથી કંટાળીને શુક્રવારે બપોરના સમયે મહિલા જામનગર તાલુકાના નવાનાગના ગામ નજીક આવેલ રેલવે ફાટક 192/સી પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે પ્રવિણભાઈ પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી તેના પરિવારજનોને જાણ કરી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં બારદાનવાલા કોમ્પલેક્ષમાં રહેતાં અજિત સનાભાઈ પરમાર (ઉ.વ.42) નામના યુવાનને શુક્રવારે સવારે તેના ઘરે શ્વાસ લેવામાં તકલીફ થવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ ઘનશ્યામ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.