જામનગર શહેરના લાખોટા તળાવના પાછલા ભાગમાં આજે સવારે મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણના આધારે ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા લાખોટા તળાવના પાછલા ભાગમાં આજે સવારે કોઇ મહિલાએ આપઘાત કર્યાની જાણ કરાતા મહાપાલિકાની ફાયર ટીમએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તળાવના પાણીમાંથી મહિલાને બહાર કાઢી હતી. પરંતુ તે પહેલાં જ મહિલાનું મોત નિપજયું હતું. આ બનાવની જાણના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જઇ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવતા મૃતકનું નામ હસુબેન બાબુભાઇ મુંઢિયાર હોવાની ઓળખ થઇ હતી. તેમજ મૃતક મહિલાએ માનસિક બિમારીથી કંટાળી જિંદગી ટૂંકાવી હોવાના પ્રાથમિક તારણના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આદરી હતી.


