જામનગરની સાધના કોલોનીમાં ગઇકાલે સાંજે હાઉસિંગ બોર્ડના આવાસની એક જર્જરીત ઇમારત ધરાશાયી થઇ જતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ વ્યકિતના મૃત્યુ નિપજયાં છે. જયારે અન્ય છ વ્યકિતને ઇજાઓ પહોંચી છે. ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનાને પગલે અહીં અફડાતફડીનો માહોલ છવાયો હતો. તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
જામનગરની સાધના કોલોનીમાં 32 વર્ષ જુના હાઉસીંગ બોર્ડના આવાસ પૈકી બ્લોક નં. 69ના 3 માળના બિલ્ડીંગમાં છ ફલેટ સાથેનો અડધો ભાગ ગઇકાલે શુક્રવારે સાંજે ધડાકાભેર પતાના મહેલની જેમ તૂટી પડયો હતો. 3 માળની આ ઇમારત ગણતરીની મિનિટોમાં જ કાટમાળના ઢગલામાં ફેરવાઇ જતાં આ કાટમાળમાં બે પરિવારના 9 જેટલા લોકો દબાઇ ગયા હતા. દુર્ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે અફડાતફડી અને નાસભાગ મચી જવા પામી હતી. ઘટના અંગે તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરનો કાફલો દોડી આવ્યો હતો અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન ઘટનાની જાણ થતાં જ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો દોડી આવ્યા હતા. સાથે-સાથે અહીં 108નો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ તુરંત જ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક પછી એક કુલ 9 લોકોને આ કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન નીચેના માળે રહેતાં સાદિયા પરિવારના જયપાલ રાજુભાઇ સાદિયા (ઉ.વર્ષ 35), મિતલબેન જયપાલ સાદિયા (ઉ.વર્ષ 35) તથા શિવમ જયપાલ સાદિયા (ઉ.વર્ષ 4) ના સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયા હતા. જયારે કંચનબેન મનસુખભાઇ જોઇશર, પારૂલબેન અમિતભાઇ જોઇશર તથા હિતાંશી જયપાલ સાદિયા તથા દેવીબેન રાજુભાઇ સાદિયા અને રાજુભાઇ ઘેલાભાઇ સાદિયાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત તમામ ભયમુકત હોવાનું હોસ્પિટલ સતાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરી રાત્રિ સુધી ચાલુ રાખવામાં આવી હતી. ત્યારબાદ કાટમાળમાં કોઇ ફસાયેલું ન હોવાની ખાત્રી થયા બાદ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. બચાવ કામગીરીમાં કોઇ વિક્ષેપ ઉભો ન થાય તેમજ સરળતાથી કામગીરી હાથ ધરી શકાય તે માટે ઘટના સ્થળે દોડી ગયેલાં એસ.પી. પ્રેમસુખ ડેલુએ લોકોને દૂર રાખવાની વ્યવસ્થા કરી હતી. ઘટનાસ્થળે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, મેયર બિનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, વિપક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતા અલ્તાફ ખફી, કમિશનર દિનેશચંદ્ર મોદી ઉપરાંત ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ પણ દોડી ગયા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદ કરી હતી.
જામનગરમાં જર્જરીત ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટના અંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુ:ખની લાગણી વ્યકત કરી મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યકત કરવા સાથે દરેક મૃતકના પરિવારજનોને રૂા. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂા. પ0,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. બનાવ જાણ થતાં જ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે પણ દુ:ખ વ્યકત કરી ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
દુર્ઘટનાગ્રસ્ત 3 માળની આ ઇમારતમાં કુલ 12 મકાન હતા. જે પૈકી 6 મકાનોવાળી ઇમારતની એક સાઇડ તૂટી પડી હતી. છ મકાનો પૈકી બે મકાનોમાં પરિવાર વસવાટ કરતાં હતા. જયારે 4 મકાન ખાલી હતા. જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. દરમ્યાન પ્રત્યક્ષદર્શી અને ઇમારતની બાજુની ઇમારતમાં જ રહેતા પારૂલબેનના જણાવ્યા અનુસાર સવારથી જ ઇમારત નબળી પડી રહી હોવાનું જણાઇ રહયું હતું. અનેક જગ્યાએ ધીમે-ધીમે પોપડા ખરી રહયા હતા. ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ પોતાના નિવેદનમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે, સવારથી જ આ ઇમારતમાં વાયબ્રેશન અનુભવાઇ રહયા હતા. આમ વહેલા સંકેતો મળવા છતાં કેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી તે એક મોટો પ્રશ્ર્ન છે.