Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરvideo : શ્રાવણના પ્રારંભ સાથે શિવાલયમાં બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો

video : શ્રાવણના પ્રારંભ સાથે શિવાલયમાં બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો

આજથી એક માસ સુધી શિવભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન : લઘુરૂદ્ર, રૂદ્રી, મહાપૂજા સહિતના ધાર્મિક આયોજનો યોજાશે

- Advertisement -

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં વહેલી સવારથી છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં શિવાલયોમાં બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો હતો. જામનગર સહિત હાલાર પંથકમાં શિવભક્તો શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથને રિઝવવા અધિરા બન્યા છે. શ્રાવણ માસ નિમિત્તે શહેરના શિવાલયોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. વ્હેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.

- Advertisement -

બે વર્ષ જેટલા કોરોનાકાળ બાદ આ વર્ષે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટયું છે. ત્યારે શિવ મંદિરોમાં શ્રાવણ માસનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કોરોનાના કપરા સમયમાં લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ સામે આવી હતી. શિવ મંદિરોમાં પૂજા કરવા ઉપર પાબંધી હતી. શ્રાવણ માસમાં પણ શિવભક્તોને અનેક પાબંધીઓનો સામનો કરવો પડયો હતો. ત્યારે દેવાધિદેવ ભગવાન ભોળાનાથના પ્રિય માસ એવા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. પવિત્ર શ્રાવણ માસના આગમન સાથે છોટીકાશી એવા જામનગર શહેરમાં રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન સોમવારનું પણ ખૂબ મહત્વ હોય છે.

- Advertisement -

શ્રાવણ માસમાં શિવની પૂજા-અર્ચના કરવાથી બેડો પાર થઇ જાય છે. તેવું કહેવાય છે. જામનગર શહેરમાં જેટલાં શિવ મંદિરો છે. તેટલા કદાચ ગુજરાતના એકપણ ગામમાં નહીં હોય. ત્યારે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં વ્હેલી સવારથી જ શિવ મંદિરોમાં શિવભક્તોની લાંબી કતારો લાગી હતી. ભગવાન શિવને રિઝવવા શિવભક્તો અધિરા બન્યા હતાં. શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં હવન, મહાઆરતી, ઘીની મહાપૂજા, રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર, રૂદ્રી સહિતના ધાર્મિક આયોજનો યોજાતા હોય છે. આ ઉપરાંત શિવાલયોમાં ભગવાન શિવજીના અનેરારૂપના દર્શન પણ યોજાતા હોય છે. તો બીજીતરફ શિવભક્તો પણ જળાભિષેક, દૂગ્ધાભિષેક, બિલીપત્ર, ફૂલ વડે ભોળાનાથની પૂજા-અર્ચના કરશે.

જામનગર શહેરના સિધ્ધનાથ મહાદેવ મંદિર, કાશિ વિશ્ર્વનાથ મંદિર, ભીડ ભંજન મહાદેવ મંદિર, નાગેશ્ર્વર મહાદેવ મંદિર, બેડેશ્ર્વર મહાદેવ મંદિર, હજારેશ્ર્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર, કુબેર ભંડારી મહાદેવ મંદિર, રામેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના-મોટા પૌરાણિક શિવ મંદિરોમાં આખો મહિનો બમ-બમ ભોલે અને ઓમ નમ:શિવાયનો નાદ ગુંજી ઉઠશે. પવિત્ર શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં હરખની હેલી છવાઇ ગઇ છે. આજથી એક માસથી જામનગર સહિત સમગ્ર હાલાર પંથક શિવમય બની જશે અને શિવભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન થઇ પૂણ્યનું ભાથુ બાંધવા રૂદ્રી સહિતના અનેક ધાર્મિક આયોજનો અને પૂજા-અર્ચના કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular