જામનગર શહેરમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો શહેરીજનો અહેસાસ કરી રહ્યા છે. જોકે દિવસ દરમિયાન ગરમીથી લોકો પરેશાનીનો સામનો પણ કરી રહ્યા છે. એક તરફ વરસાદની આગાહી અને બીજી તરફ ઠંડીની શરૂઆત પણ થઇ ચૂકી હોય લોકો મીશ્ર ઋતુનો સામનો કરી રહ્યા છે.
જામનગર શહેર જિલ્લામાં અત્યારથી જ મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે. શહેરમાં દિવસ અને રાત્રીના તાપમાન વચ્ચે 15 ડીગ્રી જેટલો તફાવત હોય બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જેના પરીણામે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. જામનગર કલેકટર કચેરીમાં કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગરમાં લઘુતમ તાપમાન 20 ડીગ્રી, મહત્તમ તાપમાન 34.5 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા તથા પવનની ગતિ 3.5 કિ.મી. પ્રતિકલાક નોંધાઇ હતી. આમ લઘુતમ તાપમાન 20 ડીગ્રી સુધી પહોંચી જતાં વહેલી સવારે તથા મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. દિવાળીના આગમન સાથે શિયાળાના પગરવ પણ થઇ ચૂકયા છે. ખાસ કરીને શહેરની ભાગોળે તેમજ હાઇવે ઉપર અને ગામડાઓમાં રાત્રીના સમયે ઠંડીની વધુ અસર જોવા મળે છે.
આ વર્ષે જે પ્રકારે ચોમાસુ સિઝનના છેલ્લા તબકકામાં ધડબડાટી બોલાવી હતી. તે રીતે આગામી સમયમાં તિવ્ર ઠંડી પણ જોવા મળી શકે છે.


