જામનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના યુવક કોંગ્રેસના હોદ્ેદારો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડો. તૌસિફખાન પઠાણ સતત બીજી ટ્રમમાં પ્રમુખ તરીકે વિજેતા થયા છે. આ ઉપરાંત જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે મસરીભાઇ કંડોરીયા વિજેતા થયા છે.
જામનગર તથા સમગ્ર ગુજરાતના યુવક કોંગ્રેસના હોદ્ેદારો માટે ગત સપ્ટેમ્બર માસથી ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ હતી. જેમાં સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં ઓનલાઇન મતદાન પ્રકિ્રયા યોજાઇ હતી. જેમાં 18 થી 35 વર્ષના કોઇપણ લોકો મતદાન કરી શકે તે રીતે ઓનલાઇન ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા બાદ અંદાજે એક થી દોઢ માસ સ્ક્રૂટીની પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ ગઇકાલે આ ચૂંટણી પ્રક્રિયાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે ડો. તૌસિફખાન પઠાણ 4300 મત મેળવી સતત બીજી ટ્રમમાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. જ્યારે જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે મસરીભાઇ કંડોરીયા 2200 મત મેળવી વિજેતા રહ્યાં હતાં.
આ ઉપરાંત જામનગર ઉત્તર (78) વિધાનસભા મત વિસ્તારના પ્રમુખ તરીકે શક્તિસિંહ જેઠવા 2296 મતે, જામનગર દક્ષિણ (79) વિધાનસભા મત વિસ્તારના પ્રમુખ તરીકે હાર્દિક ત્રિવેદી 1755 મતે, જામનગર ગ્રામ્ય (77) વિધાનસભા મત વિસ્તારના પ્રમુખ તરીકે જામનગર જિલ્લા સુન્ની મુસ્લિમ માછીમાર સમાજના મંત્રી હુસેન સોઢા, જામજોધપુર (80) વિધાનસભા મત વિસ્તારના પ્રમુખ તરીકે જયેશ સોનગ્રા તથા કાલાવડ (76) વિધાનસભા મત વિસ્તારના પ્રમુખ તરીકે રવિરાજસિંહ સોઢા વિજેતા થયા હતાં. ઉલ્લેખનિય છે કે, છેલ્લે 2016માં યુવક કોંગ્રેસની ચૂંટણી યોજાઇ હતી. ત્યારબાદ હવે વર્ષ 2021માં આ ચૂંટણી યોજાઇ હતી.