જામનગર શહેરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતીના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થયા બાદ પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી પરેશાન કરી મરી જવા મજબુર કરતાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતી તન્વીબેન સનુરા નામની યુવતીના પતિ અશોક મનસુખ સનુરા નામના વિડિયો શૂટીંગ કરતા શખ્સને અન્ય યુવતી સાથે છેલ્લાં 3 વર્ષથી સંબંધ હોવાની જાણ તેની પત્ની તન્વીબેનને થઈ જતાં પતિ અવાર-નવાર તેની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી પરેશાન કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ માફી માગીને પરત લઇ ગયો હતો. પરંતુ, અન્ય યુવતી સાથેના સંબંધો ચાલુ રાખી પત્ની તન્વીબેનને દુ:ખત્રાસ આપી મરી જવા મજબુર કરતા તન્વીબેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતકના માતા પ્રભાબેન પાટિયા ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.આર. પરમાર તથા સ્ટાફે મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી અશોકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


