જામનગર શહેરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી મહિલાએ તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકની માતાએ પુત્રીના સાસરિયાઓ વિરૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સત્યમ કોલોની ઓશવાળ શેરી નં.4 માં સાસરે રહેતી સુનીતાબેન મેઠીયા નામની મહિલાએ તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવ બાદ મૃતકના ગાંધીધામના આદિપુરમાં રહેતાં માતા જાનકીબેન કનૈયાલાલ કેશવાણી એ સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેની પુત્રી સુનીતાબેનના સાસરિયાઓ સંદિપ દિલીપ મેઠીયા, દિલીપ મેઠીયા અને જશોદાબેન સહિતના ત્રણેય શખ્સોએ લગ્નજીવન દરમિયાન સુનીતાબેન પાસે અવાર-નવાર દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યાં હતાં જેના કારણે સુનીતાબેનને મરી જવા મજબુર કરતાં તેણીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ બનાવમાં પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


