જામનગર તાલુકાના સિકકા ગામમાં રહેતાં વિધવા મહિલાની ગતરાત્રીના સમયે હોટેલના સંચાલક દ્વારા નગરપાલિકાના તળાવ પાસે તલવારના ચાર જેટલા ઘા ઝિંકી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવથી અરેરાટી ફેલાઇ ગઇ છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી નાશી ગયેલા હત્યારાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
View this post on Instagram
પવિત્ર શ્રાવણ માસમાં જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં બે સંતાનો સાથે નિલમબેન અસ્વાર નામના વિધવા મહિલા રહેતા હતા. દરમ્યાન ગત્ મદ્યરાત્રિના સમયે મહિલાનો હત્યા નિપજાવેલો મૃતદેહ સિકકા ગામમાં નગરપાલિકાના તળાવ પાસેથી મળી આવ્યાની જાણ થતાં સિકકા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતાં મૃતક મહિલાની તલવારના ચારેક જેટલા ઘા ઝિંકી નિર્મમ હત્યા નિપજાવાઇ હોવાનું ખુલ્યું હતું. આ હત્યા હોટેલના સંચાલક સુખદેવસિંહ વીરાજી જાડેજા દ્વારા નિપજાવાઇ હોવાનું તથા મહિલા પાસે શખ્સ દ્વારા અઘટિત માંગણી કરવામાં આવતા મહિલા દ્વારા ઇન્કાર કરવામાં આવતા શખ્સે વિધવા મહિલાનું ઢીમ ઢાળી દીધું હોવાનું પ્રાથમિક તારણમાં ખુલ્યું છે.
જેના આધારે પોલીસે મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા નાશી ગયેલા હત્યારા હોટેલના સંચાલક સુખદેવસિંહ વીરાજી જાડેજા વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વધુમાં મળતી વિગત મુજબ મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મહિલાની હત્યાથી સંતાનો નોધારા બની ગયા છે. આરોપી હત્યારો હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.


