ખંભાળિયા શહેરના નગરજનો રસ્તાના મુદ્દે વર્ષોથી કાયમી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેનો અંત ક્યારે પણ આવતો નથી. નવા બનેલા રસ્તાઓ એક વરસાદમાં ધોવાઈ જવાની બાબત સામાન્ય બની ગઈ છે. જ્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે ક્યારે પણ નક્કર કાર્યવાહી થઈ નથી.
ખંભાળિયા શહેરમાં બનાવવામાં આવતા રસ્તાઓ લોકોની હાલાકીમાં વધારો કરી રહ્યા હોય તેવું જણાય છે. શહેરમાં રસ્તો નવેસરથી બનાવતી વખતે જુનો રસ્તો ખોદીને બનાવવાના બદલે તેના પર વધુ એક સિમેન્ટ કોંક્રેટ કે ડામરનું પડ ચડાવી અને તેની ઉપર જ રસ્તો બનાવી દેવામાં આવે છે. જેના કારણે આ રસ્તાનું સ્તર ઊંચું થઈ જતા વર્ષો જૂની દુકાનો કે વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જવાની વ્યાપક ફરિયાદો દર વર્ષે ઊઠે છે. તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ મહત્વના મુદ્દાને ગંભીરતાપૂર્વક લેવામાં આવતો નથી.
ખંભાળિયા શહેરમાં આવેલી જૂની બજારોની દુકાનોમાં તાજેતરમાં વરસાદના કારણે દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા. હાલ નગરપાલિકા દ્વારા બનાવતા રસ્તાઓનું સ્તર ઊંચું બની જતા વેપારીઓએ પોતાની દુકાનો આગળ સ્વૈચ્છિક રીતે વધારાની પારીઓ બનાવી અને વરસાદી પાણીથી રક્ષણ મેળવે છે.
શહેરમાં અનેક નવા તથા જુના રસ્તાઓ હાલ મગરની પીઠ જેવા બની ગયા છે. જેના કારણે દુકાનદારો તથા વાહન ચાલકોની હાલાકી બેવડાઈ છે. ખાસ કરીને અહીંના બેઠક રોડ, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ જેવા મહત્વના માર્ગો નગરપાલિકાની કામગીરી સામે કાળી ટીલી સમાન બની રહ્યા છે. જેને પ્રસિધ્ધિ શોખીન નગરપાલિકાના સત્તાધીશો મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે.
આ પરિસ્થિતિમાં નગરપાલિકા તંત્ર હવે બીજા રસ્તાઓ મજબૂત અને ખોદીને તથા આયોજનબદ્ધ રીતે બનાવે તેમ સુજ્ઞ નગરજનો ઈચ્છી રહ્યા છે.