ગઇકાલે મંગળવારે બપોરથી જામનગર સહિત સમગ્ર રાજયમાં લોકડાઉનની અફવાઓ દોડાદોડી કરતી હતી. મોટાભાગના લોકો ગભરાઇ ગયા હતા. ગભરાઇ જનારાઓને એમ ન વિચાર્યું કે, લોકડાઉન તાત્કાલિક અસરથી લાગુ ન પડે. સરકાર લોકડાઉનની જાહેરાત કરતાં પહેલાં લોકોને અમુક કલાકોનો સમય આપે. આ સામાન્ય બુધ્ધિથી સમજી શકાય તેવી વાત છે. આમ છતાં લોકોએ સામાન્ય બુધ્ધિનો ઉપયોગ કર્યા વિના ચીજવસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી મૂકી હતી.
આ પ્રકારનો ગભરાટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધારે જામનગરમાં જોવા મળ્યો હતો. જામનગરના નગરજનો આટલાં બધાં ગભરું શા માટે?! નગરજનો સામાન્ય બુધ્ધિનો ઉપયોગ શા માટે કરતાં નથી? ગઇકાલે મંગળવારે લોકડાઉનની જાહેરાત થયા પૂર્વે જામનગર શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં લોકોએ અનાજ-કરિયાણું, પાન-મસાલા તથા અન્ય ચીજો મેળવવા માટે ઘણીબધી દુકાનો પર ટોળાં જમાવી દીધાં હતા.
સામાન્ય નિયમ એ છે કે, કોઇપણ દુકાને વધુ પડતી ગિરદી અને ગભરાટ હોય ત્યાં વેપારીને વિવિધ રીતે લૂંટ અને કાળા બજાર કરવાની ઇચ્છા થતી હોય છે. વેપારીઓની આ માનસિકતા ન સમજનાર જામનગરના નગરજનોએ ઘણી દુકાનો પર ટ્રાફિક જામ કર્યો હતો. જે પૈકી ઘણાં ગ્રાહકો લૂંટાયા પણ હતાં.
અંતે એવું જાહેર થયું કે, હાલ કોઇ લોકડાઉન નથી. માત્ર રાત્રી કર્ફયુની જાહેરાત થઇ હતી. આ જાહેરાત પછી હજારો નગરજનોએ કે જેઓ દુકાનો પર ટોળે વળ્યા હતાં તેઓએ અફસોસની અને છેતરાઇ ગયાની લાગણી અનુભવી હતી. આ પ્રકારની બાબતો પરથી લોકોએ ધીરજ કેળવવાની ટેવ પાડવી જોઇએ એવું ઘણાં લોકો દાઢમાં બોલી રહ્યા હતા.