જયારે પણ કોઇ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે સંબંધિત તંત્રો દ્વારા જવાબદારીની ફેંકાફેકી કરવામાં આવે છે. દોષનો ટોપલો એકબીજા પર ઢોળીને પોતાની જવાબદારીમાંથી આબાદ છટકી જવા પ્રયાસ કરવામાં આવે છે. જામનગરની ઇમારતી તૂટી પડવાની આ દુર્ઘટનામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. જેની જવાબદારી છે તેવા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને જામનગર મહાપાલિકાના તંત્રો દ્વારા એકબીજાને ખો આપવામાં આવી રહી છે. સાધના કોલોની હાઉસિંગ બોર્ડમાં રહેતાં 2000 જેટલા પરિવારો પર ગંભીર જોખમ જંળુબી રહયું છે. ત્યારે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા જવાબદારી અહીં વસતા લોકો પર ઢોળી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. હાઉસિંગ બોર્ડના નબળા અને જર્જરીત મકાનોમાં રહેતા લોકો વારંવારની નોટિસ છતાં મેઇનેન્ટસ અને મરામત કરતાં ન હોવાનું હાઉસિંગ બોર્ડના અધિકારી જણાવી રહયા છે. તો બીજી તરફ જામનગર મહાપાલિકાનું તંત્ર પણ માત્ર નોટિસ આપીને નિશ્ર્ચિંત થઇ જાય છે. જો કોઇ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી ત્યાં વસતા લોકો પર જ ઢોળી હાથ ઉંચા કરી દેવામાં આવે છે. ત્યારે શું તંત્રોની કોઇ જવાબદારી બનતી જ નથી ? તેવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠી રહ્યો છે. બે-ચાર દિવસ દુ:ખ અને સહાનુભૂતિની લાગણીઓ વ્યકત કરીને રાજકીય નેતાઓ પણ દુર્ઘટનાની ગંભીરતાને વિસરી જાય છે. આવી દુર્ઘટના ફરી ન ઘટે અને સમય રહેતાં નકકર કાર્યવાહી કરવામાં આવે તેવા પ્રકારનું કોઇ આયોજન કે કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે નિષ્ક્રિયતા દાખવીને એક પ્રકારને તંત્રોની લાપરવાહીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
કમિશનર સાહેબ…હવે સમય પાકી ગયો છે જવાબદારો સામે પગલાં લેવાનો
સાધના કોલોનીમાં સર્જાયેલી કરૂણાંતિકા અંગે જેટલા જવાબદાર હાઉસિંગ બોર્ડ અને રહેવાસીઓ છે તેટલું જ જવાબદાર જામ્યુકોનું તંત્ર પણ છે. શહેરમાં આવી કોઇ દુર્ઘટના ન સર્જાય તે જોવાની જવાબદારી જામનગર મહાપાલિકાની છે. દર વર્ષે ચોમાસા પહેલાં જર્જરીત અને ભયજનક ઇમારતો અંગે સર્વે કરીને આવી ઇમારતોના માલિકો અને રહેવાસીઓને નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ જરૂર પડે તો જાનમાલના રક્ષણ માટે દબાણપૂર્વક ઇમારતો ખાલી કરાવાની જવાબદારી પણ તંત્રની જ બને છે. ત્યારે આ દુર્ઘટનાને લઇને અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે. શું મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આ ઇમારતો અંગે સર્વે કરવામાં આવ્યો છે ? સર્વે બાદ નોટિસ આપવામાં આવી છે. નોટિસની અમલવારી કરવામાં આવી છે કે કેમ ? તેનું મોનિટરીંગ કરાયું છે ? નોટિસ બાદ સ્થળ તપાસ કરી કોઇ કાર્યવાહી કરવામાં આવી છે ? જેવા અનેક પ્રશ્ર્નો શહેરીજનોમાં ઉદભવી રહયા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આ દુર્ઘટના અંગે માત્ર સહાનુભૂતિ વ્યકત કરવાને બદલે તેની ઉંડાણપૂર્વક તપાસ કરાવી જો જામ્યુકોના કોઇપણ અધિકારીની લાપરવાહી કે બેદરકારી જણાય તો તેની સામે પગલાં લેવા જોઇએ. માત્ર નોટિસ આપી દેવાથી જામ્યુકોનું તંત્ર જવાબદારીમાંથી છટકી શકતું નથી. તે વાત તેમણે બરાબર સમજી લેવી જોઇએ. આવી દુર્ઘટનાઓ બાદ અનેકવખત તંત્રની લાપરવાહી સામે આવી હોવા છતાં આજ સુધી જવાબદારો સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જામ્યુકોના વહિવટના મુખિયા એવા કમિશનર આ દુર્ઘટના બાદ કોઇ દાખલો બેસાડશે ખરા ?