જામનગર શહેરમાં વેપારીઓ સાથે સાયબર ક્રાઈમના ગુનાઓ અવિરત બની રહયા છે. ત્યારે વધુ એક વેપારીને લોભામણી લાલચ આપી 25% જેટલું મહિને વળતર મેળવવા વિશ્ર્વાસમાં લઇ 50 લાખની છેતરપિંડીના ગુનામાં પશ્ર્ચિમ બંગાળના કલાકતામાં રહેતાં બે શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં વેપારીને સોશિયલ મીડિયાના વોટસએપ પ્લેટફોર્મ પર દરમહિને 25% જેટલું માતબર વળતર આપવા માટે લલચાવી ઈન્વેસ્ટમેન્ટ કરાવવા માટે એપ્લીકેશન દ્વારા ગોલ્ડ ડાયમંડ અને પ્લાસ્ટિક એમ ત્રણ કોમોડીટીમાં રોકાણ કરાવવા વિશ્ર્વાસમાં લઇ રૂા.50,04,075 ની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેકો કુલદિપસિંહ જાડેજા દ્વારા ટેકનિકલ તપાસ અને વેપારીના ગયેલા નાણાંની બેંક ડીટેઇલ્સ મંગાવી તેના એનાલિસીસના કારણે ચીટરોના લોકેશન પશ્ર્ચિમબંગાળના બિદ્યાનનગર અને હાવડા કમિશનરરેટ આવતુ હોવાથી સાઈબર ક્રાઈમના હેકો પ્રણવ વસરા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કારુભાઈ વસરા, એલઆરપીસી કુલદિપસિંહ સોઢા સહિતની ટીમ દ્વારા પશ્ર્ચિમ બંગાળના કલકતા શહેરમાં આવેલા બિદ્યાનનગર વિસ્તારમાંથી વિવેક સુશીલકુમાર કનોડિયા (ઉ.વ.38) અને હાવડા કમિશનરરેટ વિસ્તારમાંથી ભગતસિંહ ઈન્દ્રચંદ્ર વર્મા (ઉ.વ.41) નામના બે શખ્સોને દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતાં અને બંનેની પૂછપરછ હાથ ધરી હતી.
સાઈબર ક્રાઈમ દ્વારા પુછપરછ હાથ ધરાતા આ આરોપીઓ દ્વારા વોટસએપ પર વાતચીત કરી ઈન્વેસ્ટમેન્ટમાં જંગી વળતર આપવાની લાલચ આપી મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરાવતા હતાં અને ગોલ્ડ, ડાયમંડ અને પ્લાસ્ટિક એમ ત્રણ કોમોડીટીમાં રોકાણ કરાવી દર મહિને 25% જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપતા હતાં. ત્યારબાદ વેપારીને ફેક એપ્લીકેશનમાં એકાઉન્ટ ખોલાવી નાણાંનું રોકાણ કરાવ્યું હતું. સમયાંતરે નાનો-નાનો નફો કરાવી બે ત્રણ વખત નાની-નાની રકમો વિડ્રો કરાવી વિશ્ર્વાસમાં લીધા બાદ 50,04,075 નું રોકાણ કરાવી છેતરપિંડી આચરી ફોન ઉપાડતા ન હતાં. આમ સાઈબર ક્રાઈમે 50 લાખની છેતરપિંડીના બનાવમાં બે ચીટરોની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.