જામનગરની જિલ્લા જેલમાં સીપાઇ તરીકે ફરજ બજાવતા કર્મચારી ઉપર બેરેકમાં બંધ કરાયેલા આરોપીએ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી લાઠી વડે હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, હંમેશા ચર્ચાના ચગડોળે રહેતી જામનગરની જીલ્લા જેલમાં વધુ એક બનાવ બન્યો છે. આ બનાવની વિગત મુજબ, શુક્રવારે બપોરના સમયે જામનગરની જીલ્લા જેલમાં યાર્ડ નં.1 થી3 માં સલામતિ વિભાગમાં સર્કલ સીપાઇ તરીકે ફરજ બજાવતા ભરત વશરામ રાનાણી નામના કર્મચારીએ તેની ફરજ દરમિયાન પ્રવિણ ઉર્ફે પવલો ઉર્ફે લાલો બળદેવ સેનાજીયા નામના આરોપીને બેરેકમાં બંધ કરાતા ઉશ્કેરાયેલા પવલાએ સિપાઈને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી અને લાઠી વડે સિપાઇ તથા અન્ય વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેલમાં થયેલા સિપાઇ ઉપરના હુમલાના બનાવની જાણના આધારે પીએસઆઈ આઈ.આઇ.નોયડા તથા સ્ટાફે સિપાઈ ભરતના નિવેદનના આધારે પ્રવિણ ઉર્ફે પવલા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.