Saturday, July 6, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાંથી ઝડપાયેલા આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપના વ્હાઈટ કોલર બુટલેગરો ઝબ્બે

ખંભાળિયામાંથી ઝડપાયેલા આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપના વ્હાઈટ કોલર બુટલેગરો ઝબ્બે

કુલ 90 બોટલ સાથે આઠની અટકાયત: રિમાન્ડની કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયામાંથી થોડા દિવસો પૂર્વે ઝડપાયેલો નુકસાનકર્તા એવી આયુર્વેદિક સીરપની બોટલો સંદર્ભેના પ્રકરણમાં જિલ્લા પોલીસે કડક હાથે કાર્યવાહી કરીને ખંભાળિયા, ભાવનગર, રાજકોટ, વડોદરા, મુંબઈ અને વાપીના કુલ આઠ શખ્સોની અટકાયત કરી, રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

ખંભાળિયામાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 13,460 ની કિંમતની વડોદરાની કંપનીની ચોક્કસ નામની આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કર્યો હતો. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ 102 મુજબ શક પડતી મિલકત તરીકે કબજે લઈ અને આ બોટલના પૃથક્કરણ અર્થે મોકલવામાં આવી હતી.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસે થોડા સમય પૂર્વે લાખો રૂપિયાની કિંમતની સ્વાસ્થ્યને નુકસાનકર્તા એવી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપના કાળા કારોબાર પરથી પડદો ઊંચકાવીને આ પ્રકારના પીણાની ફેક્ટરીના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે એલસીબી, એસઓજી સહિતની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત આગળની કાર્યવાહીમાં ઉપરોક્ત સીરપની બોટલમાં આઇસોપ્રોપાઈલ તથા ઇથેનોલ આલ્કોહોલની ટકાવારી કાયદાકીય રીતે નિયત કરતા વધુ પ્રમાણમાં હોવાનું જાહેર થયું હતું. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં તપાસનીસ અધિકારી પી.આઈ. તુષાર પટેલ દ્વારા મુખ્ય આરોપી પ્રકાશ કિશોરભાઈ આચાર્ય સાથે ખંભાળિયાના રહીશ ગઢવી સામત ખીમા જામ, ભાવનગરના રહીશ લગધીરસિંહ ઊર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજા, રાજકોટના મેહુલ અરવિંદભાઈ જસાણી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ નટવરલાલ ડોડિયા, વડોદરાના નીતિન અજીતભાઈ કોટવાણી, મુંબઈના તૌફીક હાસીમ મુકાદમ અને વાપીના આમોદ અનિલભાઈ ભાવે નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે ચોક્કસ કંપનીની સીરપની 90 બોટલ કબજે લીધી છે.

- Advertisement -

ખાસ કરીને ફક્ત અને ફક્ત ગુજરાત રાજ્ય ટાર્ગેટ કરી, નશાબંધી યુક્ત રાજ્યમાં નશાબંધીની બદીમાં વૃદ્ધિ કરનાર સેલવાસ ખાતેની એમ.એ.બી. તથા હર્બોગ્લોબલ કંપનીના માલિકો તથા તેમના મળતીયાઓ તેમજ વડોદરાની કંપનીના માલિકો વિગેરે દ્વારા સમાજમાં વ્હાઈટ કોલર બુટલેગરો તરીકેની ભૂમિકા જણાઈ આવી હતી. તેઓ વિરુદ્ધ અગાઉ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના આયુર્વેદિક દવાની આડમાં નશાયુક્ત પીણા અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હોવાનું પણ જાહેર થયું છે.

દેવભૂમિ દ્વારકા પોલીસે આરોપીઓની અટકાયત કરી, વિવિધ દિશાઓમાં તપાસ જારી રાખી છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે આરોપીઓના રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

આ સાથે એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા, દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ, એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સીંગરખીયા, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તેમજ ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular