Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકૂવામાં પડેલી યુવતીને બચાવવા જતાં તરૂણ પણ પાણીમાં ડૂબ્યો

કૂવામાં પડેલી યુવતીને બચાવવા જતાં તરૂણ પણ પાણીમાં ડૂબ્યો

- Advertisement -

લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતી પાણી ભરવા ગઈ હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં ખાબકતા તેણીને બચાવવા પડેલો તરૂણ હાથમાંથી નાળુ મૂકાઇ જતાં બંનેનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહોનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામના સીમ વિસ્તારમાં જીવાભાઈ કરમુરના ખેતરમાં મંગળવારે સવારના સમયે તેની પુત્રી ભારતીબેન જીવાભાઈ કરમુર (ઉ.વ.25) નામની યુવતી કુવામાંથી પાણી ભરવા જતી હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં ખાબકતા તેણીએ ‘બચાવો બચાવો’ની બુમો પાડી હતી. તે સમયે વાડીમાં જ રહેલા નકુલ નથુભાઈ કરમુર (ઉ.વ.17) નામનો તરૂણ યુવતીને બચાવી કૂવામાંથી બહાર કાઢવા માટે નાળુ બાંધીને અંદર ઉતર્યો હતો. તે દરમિયાન નકુલનો હાથ લપસી જતાં નાળુ મૂકાઇ જવાથી તે પણ કૂવાના પાણીમાં ખાબકયો હતો. ત્યારબાદ તરૂણ અને યુવતીના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતાં. બનાવની જાણ રાજુભાઈ કરમુર દ્વારા કરવામાં આવતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતી અને તરૂણને બહાર કાઢયા હતાં પરંતુ તે પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતાં. કરમુર પરિવારના એક સાથે બે વ્યકિતઓના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહોન કબ્જો સંભાળી પીએમ માટે મોકલી રાજુભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular