એનસીઆરબીના ડેટા પ્રમાણે, વર્ષ 2014થી 2016 વચ્ચે રાજદ્રોહ હેઠળ 179 લોકોની ધરપકડ થઈ હતી, પરંતુ આરોપો ફક્ત જૂજ લોકો સામે જ સાબિત થઈ શક્યા હતા. આ દરમિયાન વર્ષ 2016થી 2019 વચ્ચે રાજદ્રોહમાં ધરપકડ કરાયેલા લોકોમાં ફક્ત બે ટકા લોકો પર આરોપો ઘડી શકાયા. વર્ષ 2019માં 96 લોકોની ધરપકડ થઈ, પરંતુ ફક્ત બે ટકા લોકો સામે આરોપો નક્કી થઈ શક્યા. 2020માં લગભગ ત્રણ હજાર લોકો પર સીએએ વિરોધી દેખાવો કરવા બદલ કેસ દાખલ કરાયા.
26 જાન્યુઆરીએ કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ભારે તોફાન થયા. 28 જાન્યુઆરીએ કોંગ્રેસી સાંસદ શશી થરુર, પત્રકાર રાજદીપ સરદેસાઈ, જફર આગા, અનંત નાથ, મૃણાલ પાંડે, પારસ નાથ અને વિનોદ જોસ વિરુદ્ધ વાંધાજનક ટ્વિટ કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરાયો હતો. પોલીસના મતે એક ખેડૂતનું ટ્રેક્ટર પલટી જવાથી થયેલા મોતને આ લોકોએ ‘ગોળી વાગતા થયેલું મોત’ ગણાવ્યું હતું.
લખનઉમાં સપ્ટેમ્બર 2020માં આપ નેતા સંજય સિંહ વિરુદ્ધ તેમના એક નિવેદનને લઈને રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો. ઓગસ્ટ 2020માં હિમાચલપ્રદેશમાં વિનોદ દુઆ પર રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો. તેમના પર યુ ટ્યૂબ પર ખોટી માહિતી ફેલાવાનો આરોપ હતો. જાન્યુઆરીમાં પૂણેમાં આયોજિત એલ્ગાર પરિષદમાં એક ભાષણને લઈને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા શરજીલ ઉસ્માની પર રાજદ્રોહનો આરોપ હતો.
9 ફેબ્રુઆરી, 2016ના રોજ જેએનયુ પરિસરમાં દેશવિરોધી નારા લગાવાયા હતા. આ કેસમાં પોલીસે કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. 25 ઓગસ્ટ, 2015ના રોજ પાટીદાર અનામત આંદોલનની એક રેલી પછી થયેલી હિંસામાં હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો.
હાથરસમાં ગેંગરેપની ઘટના પછી કેટલાંક ભડકાઉ ભાષણોને લઈને પોલીસે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર રાજદ્રોહનો કેસ કર્યો હતો. ભારતીય દંડસંહિતાની કલમ 124એમાં રાજદ્રોહને વ્યાખ્યાયિત કરાયો છે. આ કલમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ લખીને કે બોલીને કે અન્ય કોઈ પણ માધ્યમથી ભારત સરકાર વિરુદ્ધ નફરત, દુશ્મનાવટ કે અવમાનના પેદા કરશે, તો તેને રાજદ્રોહનો દોષિત માનવામાં આવશે.
રાજદ્રોહના ગુનામાં ત્રણ વર્ષથી લઈને આજીવન કારાવાસ અને દંડ સુધીની જોગવાઈ છે. આ ગુનો બિનજામીનપાત્ર છે. ભારતમાં રાજદ્રોહ એક ગંભીર ગુનો છે એટલે કે તે અંતર્ગત ધરપકડ માટે કોઈ પણ પ્રકારના વોરંટની જરૂર નથી પડતી. આ ગુનામાં બે પક્ષ વચ્ચે સમાધાનની પણ કોઈ જોગવાઈ નથી.
રાજદ્રોહનો આઝાદ ભારતમાં પહેલો કેસ 26 મે, 1953માં બિહારમાં ફોરવર્ડ કોમ્યુનિસ્ટ પાર્ટીના કેદારનાથ સિંહ પર નોંધાયો હતો. તેમના પર તત્કાલીન સરકારની ટીકાનો આરોપ હતો. આ કેસમાં સુપ્રીમકોર્ટે 1962માં ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં સરકારની ટીકા કરવી રાજદ્રોહ હેઠળ ના ગણી શકાય. ભલે તે કઠોર શબ્દોમાં કરાઈ હોય, પરંતુ જો તે શબ્દો હિંસા ન ભડકાવતા હોય તો રાજદ્રોહનો કેસ નથી બનતો.
પંજાબમાં વર્ષ 1995માં બે સરકારી કર્મચારી બલવંત સિંહ અને અન્ય એક વિરુદ્ધ ખાલિસ્તાન જિંદાબાદની નારેબાજી કરવા બદલ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. આ કેસમાં સુપ્રીમકોર્ટે કહ્યું કે, ખાલિસ્તાન સમર્થક નારેબાજી રાજદ્રોહના દાયરામાં એટલે ના આવે કારણ કે સમાજના અન્ય સભ્યોએ તેના પર પ્રતિક્રિયા નથી આપી. ફક્ત નારેબાજી કરવી એ રાજદ્રોહ ના હોઈ શકે. કેઝ્યુઅલ રીતે કોઈ નારેબાજી કરે, તો તે રાજદ્રોહ ના ગણી શકાય.
રાજદ્રોહ કાયદાની બંધારણીયતાને લઈને સુપ્રીમકોર્ટ સમક્ષ ઘણીવાર અનેક કેસમાં આ કાયદાના પક્ષ-વિપક્ષમાં સરકાર અને અન્ય પક્ષકારો દ્વારા તર્ક અપાય છે. ચાલો જાણીએ શું છે આ તર્ક.
આ કાયદો સરકારને હિંસા, સાંપ્રદાયિક તોફાનો અને સરકાર ઊથલાવી દેવા જેવા પ્રયાસોથી બચાવે છે.આ કાયદામાં વિરોધી, અલગતાવાદી અને આતંકવાદી તત્ત્વોનો સામનો કરવાની ક્ષમતા છે. એટલે તે રહેવો જરૂરી છે. જો અદાલતની અવમાનના માટે દંડાત્મક કાર્યવાહી યોગ્ય છે, તો સરકારની અવમાનના બદલ પણ કાર્યવાહી થવી જોઈએ. દેશનાં અનેક રાજ્યો માઓવાદી વિદ્રોહનો સામનો કરી રહ્યાં છે. તેનો સામનો કરવા આ કાયદો જરૂરી છે.
પત્રકાર વિનોદ દુઆ કેસમાં કહેવાયું કે મહાત્મા ગાંધીએ આ કાયદો લોકોની સ્વતંત્રતાનું દમન કરનારો કહ્યો. આ કાયદો બ્રિટિશ સરકારના કોલોનિયલ વારસાનો એક હિસ્સો છે. તે ભાષણ અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલ ઊભા કરે છે. એક સારી લોકતાંત્રિક સરકાર માટે એ જરૂરી છે કે તેમાં સરકારની ટીકા અને તેમની સાથે અસંમતિને પણ સ્થાન મળે. સરકારો તેમની વિરુદ્ધ ઊઠતા અવાજોને દબાવવા માટે તેનો દુરુપયોગ કરે છે.
સુપ્રીમકોર્ટના વકીલ વિરોગ ગુપ્તાનું કહેવું છે કે અંગ્રેજોના સમયથી રાજદ્રોહનો કાયદાનો આઝાદ ભારતમાં દુરુપયોગ શરૂ થયો છે તે ચિંતાજનક છે. તેનો ખૂબ સાવધાનીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સોશિયલ મીડિયા પરની પોસ્ટ કે રાજકીય વિરોધીઓ સામે તેના દુરુપયોગ અટકાવવાની જવાબદારી પોલીસ-નેતાઓની સાથે અદાલતોની પણ છે.