જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીઓ સાથે શારીરિક શોષણ થતો હોવાનો આક્ષેપ એટેન્ડન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ તેઓને પગાર પણ ચૂકવવામાં આવ્યો ન હોય. તેમ જણાવ્યું હતું. આ અંગે આજરોજ એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે યુવતિઓ સાથે ચર્ચા કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પગાર બાબતે 25 ટકા જેટલા કર્મચારીઓનો જ પગાર બાકી છે. એ પણ બેંક એકાઉન્ટ વેરિફીકેશન જેવા કારણો અને ટેકનિકલ ક્ષતિને કારણે પગાર બાકી છે. જે પણ એક-બે દિવસમાં ચૂકવી દેવામાં આવશે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરી ચૂકેલી યુવતિઓએ હોસ્પિટલમાં સુપરવાઇઝર ફિઝિકલ રિલેશન રાખવા દબાણ કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પૂર્વે પગાર ચૂકવાયો ન હોય. આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે યુવતિઓએ આ આક્ષેપ કર્યા હતાં. એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલી યુવતિઓએ કરેલા આક્ષેપ બાદ એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇએ જણાવ્યું હતું કે, કલેકટરની સૂચના અનુસાર કોવિડ હોસ્પિટલમાં દરેક માળે પોલીસ બંદોબસ્ત તેમજ એસોસિએટ્સ કક્ષાના પ્રોફેસર સહિતના અધિકારીઓની દેખરેખ રહે છે. આવી કોઇ ઘટના અંગે સીધી કે આડકતરી રીતે અમારી પાસે કોઇ ફરિયાદ આવી નથી. આમ છતાં આ આક્ષેપોને ધ્યાને લઇ તપાસ પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. આ આક્ષેપ કરનાર એટેન્ડન્ટનું નિવેદન લેવા પણ પ્રયાસ કરાયો હતો. પરંતુ તેઓ મળ્યા નથી અને હાલમાં ફરજ બજાવી રહેલા તમામ મહિલા કર્મચારીઓ પાસેથી પણ આ બાબત અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત એટેન્ડન્ટના પગાર બીજા ફેઇઝમાં ચૂકવાઇ ગયા છે. આ એટેન્ડન્ટની માત્ર 3 મહિના માટે જ નિમણૂંક કરાઇ હતી. કોરોના મહામારીમાં પરિવારજનોને પણ દર્દીને મળવાની છૂટ હોતી નથી. ત્યારે તેમની દેખભાળ માટે એટેન્ડન્ટની ત્રણ મહિના માટે જ નિમણૂંક કરાઇ હતી. તેઓને પગાર પણ પૂરતો આપવામાં આવ્યો છે. માત્ર 25 ટકા જેટલા કર્મચારીઓના બેંક એકાઉન્ટની સમસ્યાઓને કારણે ટેકનિકલ કારણોસર પગાર થઇ શકયો નથી. તે પણ એક કે બે દિવસમાં થઇ જશે.