ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી તા.9-7-2022 અને તા.10-7-2022 ના રોજ જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેના પગલે જિલ્લામાં આવેલ ડેમ અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા રહેલ છે.
ગત વર્ષોમાં પુરની સ્થિતિમાં પણ લોકો ગફલતમાં રહી પાણીમાં ન્હાવા પડવાથી ડુબી જવાના તથા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી માનવ મૃત્યુના બનાવ બનેલ છે. આ ઉપરાંત આકાશી વિજળી પડવાથી માનવ મૃત્યુના બનાવ બનેલ છે. કુદરતી આપદાઓ સામે સાવચેતી એ જ આપણી સુરક્ષા છે ત્યારે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું તથા અજાણ્યા પાણીમાં પ્રવેશ ન કરવો, બાળકોને આવા પાણીથી દુર રાખવા તથા બિન જરૂરી સાહસ કરી બ્રિજ પર કે ડેમ સાઇટ પર પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી.જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી અત્યારથી જ સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવુ. ઉંચાણ વાળા વિસ્તારોમાં પાકા મકાનમાં આશ્રય લેવા, જીવનજરૂરી પૂરવઠો સંગ્રહ કરી રાખવા, ખેતરના પાકનો યોગ્ય સંગ્રહ કરી લેવા તથા પશુઓની યોગ્ય વ્યવસ્થા કરી રાખવા પણ કલેકટર દ્વારા અપીલ કરાઈ છે.
વધુમાં, આકાશી વિજળીથી બચવા માટે આઇ.એમ.ડી. દ્વારા ડેવલપ કરવામાં આવેલ “DAMINI” એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવી અને ચોમાસા દરમ્યાન કોઈ અઘટિત બનાવ બને તો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતેના ફોન નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪ તેમજ તાલુકા કક્ષાએ કાલાવડ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે ૦૨૮૯૪-૨૨૨૦૦૨, જામજોધપુર તાલુકા માટે ૦૨૮૯૮-૨૨૧૧૩૬, જોડીયા તાલુકા માટે ૦૨૮૯૩-૨૨૨૦૨૧, ધ્રોલ તાલુકા માટે ૦૨૮૯૭-૨૨૨૦૦૧, લાલપુર તાલુકા માટે ૦૨૮૯૫-૨૭૨૨૨૨, તથા જામનગર મહાનગર પાલિકા વિસ્તાર માટે ૦૨૮૮-૨૭૭૦૫૧૫, ૨૬૭૨૨૦૮, તથા મો.નં. ૯૯૦૯૦ ૧૧૫૦૨ પર સંપર્ક કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.